Shreyas Pracharak Sabha

Forgot Password? Reset here
New User? Register here

પરિચય

પૂજ્ય સરયુબેન મહેતાનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી ગામમાં ૨૭ ડિસેમ્બર, ૧૯૩૮ ના દિવસે થયો હતો. તેમના પિતાશ્રી ભોગીભાઈ ગિરધરલાલ શેઠ તથા માતુશ્રી સુશીલાબેન સંસ્કારી તથા ધર્મપ્રેમી હતા. તેઓએ સરયુબેનને બાળપણથી ધર્મસંસ્કારો આપીને ધર્મભાવના તેમના હૃદયમાં જાગૃત કરી હતી. મુંબઈ ઈ.સ. ૧૯૪૮ માં આવ્યા બાદ સેંટ ઝેવિયર્સ કોલેજમાં અભ્યાસ કરી ઈ.સ. ૧૯૬૦ માં એમ.એ. ની ડિગ્રી પ્રાપ્ત કરી.

સરયુબેનના હૃદયમાં નાની ઉંમરથી જ વૈરાગ્ય ભાવના જાગી હતી. એમના બાળ હૃદયમાં એક પ્રશ્ન સતત ઊઠતો હતો કે “હું શા માટે જીવું છું?” તે પ્રશ્નના જવાબની શોધમાં તેઓ હતા. ઈ.સ. ૧૯૫૨ ની સાલમાં “શ્રીમદ્દ રાજચંદ્ર” વચનામૃતની પાંચમી આવૃત્તિ વાંચવા મળી. તે વાંચતા તેમને થયુું કે આ ગ્રંથમાં મારા પ્રશ્નનો જવાબ રહેલો છે. તેથી તેનો અભ્યાસ કરવાનું શરુ કર્યુ અને તેમને રાજપ્રભુ પ્રતિ પરમ પિતા જેવો ભાવ રહેવા લાગ્યો. ઈ.સ. ૧૯૬૩ માં તેમણે કૃપાળુદેવના જીવન અને કવનનો ઊંડો અભ્યાસ કરવા માટે પી.એચ.ડી.નો અભ્યાસ શરુ કયો અને ઈ.સ. ૧૯૬૫ માં “શ્રીમદ્દ રાજચંદ્ર – એક અભ્યાસ” એ નામે થીસીસ પૂરી કરી અને પી.એચ.ડી.ની ડીગ્રી મેળવી. કૃપાળુદેવની જન્મ શતાબ્દીના સંભારણારૂપે આ ગ્રંથ “શ્રીમદ્દની જીવનસિધ્ધી” નામે ઈ.સ. ૧૯૭૦ માં પ્રકાશિત થયો.

ઈ.સ.૧૯૬૭ માં તેઓ શ્રી રજનીભાઈ મહેતા સાથે લગ્નગ્રંથીથી જોડાયા અને ત્રીસ વર્ષના દાંપત્ય જીવન બાદ તેઓએ ઈ.સ. ૧૯૯૭ માં તેમની છત્રછાયા ગુમાવી.

પૂજ્ય સરયુબેને ઈ.સ. ૧૯૭૭ થી કૃપાળુદેવની આજ્ઞા સ્વીકારી દર ગુરૂવારે વાંચન શરૂ કર્યું જે આજ (ઈ.સ. ૨૦૧૫) સુધી ચાલુ છે. તેમણે ઈ.સ. ૧૯૭૦ થી ૨૦૧૫ સુધીમાં લગભગ બાર ગ્રંથોની રચના પ્રભુ આજ્ઞાએ કરી છે. આ ઉપરાંત તેમણે ૧૯ પદ્યરચનાઓ પણ કરેલ છે. તેમની રચનાઓની ખાસિયત એ છે કે તેમાં લખાયેલું બધું જ્ઞાન સ્વાનુભવ પર આધારિત છે. આ સર્વ પુસ્તકો તેમણે પોતાના ગુરૂ રાજપ્રભુને અર્પણ કરી તે પ્રકાશનો ઉપરનો પોતાનો કોપીરાઈટ પણ જતો કરેલ છે. તેમના પુસ્તકોનો મુખ્ય બોધ રાગ, દ્વેષ અને અજ્ઞાન ત્યજીને જીવ, કેવી રીતે ગુરુ આજ્ઞાએ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી ત્વરિત ગતિએ મોક્ષ સુખ પામી શકાય, તે છે.

સરયુબેનનો વધુ પરિચય વાચકોને “શ્રી કેવળી પ્રભુનો સાથ” ના પાંચેય ભાગમાં થોડા અનુભવરૂપે લખાયેલ “પ્રાક્કથન” માં તથા ભાગ ૫ ના ૨૧ મા પ્રકરણ “ઉપસંહાર” માંથી મેળવી શકાશે. આવા અદ્દભુત મહાન કલ્યાણકાર્ય કરનાર માટે વધારે શું કહીએ?

સત્પુરુષોની નિષ્કારણ કરુણા જગતનું કલ્યાણ કરો.

ૐ શાંતિ.